________________
શ્રી પાર્શ્વનાથજી 1173
મનુષ્ય યોનિમાં પણ ઊંચા નીચા સ્થાનોમાં આવે છે; તે આ કર્મના ઉદયથી છે. પરંતુ આત્મપ્રદેશોની નાની મોટી દેહાકૃતિને તેમજ ધાતીકર્મના ઉદય કે ક્ષયોપશમથી થતાં ચડ ઉતરના ભાવોને અગુરુલઘુ નહિ કહેવાય. આ ગોત્ર કર્મનો ભેદ સિદ્ધાવસ્થામાં નથી માટે ગોત્ર કર્મના નાશથી સિદ્ધ ભગવંતોને જે અગુરુલઘુગુણ પ્રાપ્ત થાય છે, તે અગુરુલઘુશબ્દનો આધ્યાત્મિક-પારિભાષિક અર્થ છે; જે સમરૂપતા અર્થાત્ સમસ્થિતિ Equilibrium- Equal Status સૂચક છે.
૩) પાંચે અસ્તિકાયો એકક્ષેત્રી હોવા છતાં જડ દ્રવ્ય જડ રહે છે, ચેતન દ્રવ્ય ચેતન રહે છે. તે ઉપરાંત દરેક દ્રવ્યનો જે પરમભાવ છે, (જેમ કે ધર્માસ્તિકાયનો પરમભાવ, જે પુદ્ગલ અને જીવને ગતિમાં સહાયક થવાનો છે; વગેરે) તે પણ એવોને એવો રહે છે તે આ સ્વરૂપ પ્રતિષ્ઠાનું કારણ, સર્વગુણોને સમતોલ રાખવાનું કારણ તેમજ બધા જ ગુણપર્યાયોના આધારભૂત અગુરુલઘુ ગુણ છે. કવિશ્રી આ સ્તવનની સાતમી કડીમાં જે અગુરુલઘુ ગુણનો મહિમા ગાઈ રહ્યા છે; તે આ ત્રીજા પ્રકારના અગુરુલઘુ ગુણ નો મહિમા છે.
દરેક પદાર્થ એક જ ભાવમાં નિયત રૂપે રહેતો નથી પણ જુદા જુદા ભાવમાં પરિણમે છે. એ તે તે ભાવરૂપે પરિણામ પામવામાં આ અગુરુલઘુગુણ સહાય કરે છે. આ ગુણ દરેક દ્રવ્ય-ગુણ-પર્યાયમાં વ્યાપીને રહેલો છે. એનું કાર્ય દરેકને અનુકૂળ વર્તવાનું છે એટલે એ દરેકમાં ભળવા છતાં જ્યાં જાય છે ત્યાં દૂધમાં સાકરની જેમ ભળી જાય છે; કોઇને પણ ક્યારે પણ પ્રતિકૂળ વર્તતો નથી કે જરા પણ ઉપદ્રવ કરતો નથી. અગુરુલઘુ ગુણની સહાયથી દરેક દ્રવ્યો પોતપોતાની મર્યાદામાં રહીને જુદા જુદા ભાવમાં પરિણમે છે.
ઉપકરણ-સાધન સામગ્રીનું આલંબન લઈને અત્યંતર ભાવમાં જવાનું છે-આત્માભિમુખ થવાનું છે. જો અંદર નહિ જઇએ, તો બહાર સાઘનોના ભેદના ઝઘડામાં રહેવાશે.