SearchBrowseAboutContactDonate
Page Preview
Page 446
Loading...
Download File
Download File
Page Text
________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૪૨૩ મૃદંગ, ઝાલર, ખંજરી, કરતાલ વગાડતાં દૃષ્ટિગોચર થાય છે. રાણીવાવની દક્ષિણ દિશાની દિવાલના ત્રીજા પડથારમાં વાંસળી વગાડતી અપ્સરાના ભાવવાહી બે શિલ્પો આવેલા છે. રૂપ-લાવણ્ય દર્શાવતી નારી નારીઓના પ્રમુખ સમૂહમાં અપ્સરાઓ, નાયિકાઓ, નાગ કન્યાઓ અને યક્ષિણીઓને શિલ્પમાં કંડારવામાં આવેલ છે. પથ્થર ઉપર ઘડાયેલી આ નૃત્યાંગનાઓ દરબારી શૈલીનું પ્રતિનિધિત્વ કરે છે. એમનું ઘડતર ખૂબ જ ઉચ્ચ કોટિનું છે. રાણીવાવમાં આ પ્રકારે ઘડાયેલી પ્રતિમાઓ વધુ પ્રમાણમાં મળી આવે છે. તેમાંથી મોટાભાગની પ્રસાધનમાં વ્યસ્ત છે. જે પોતાને નૃત્ય માટે તૈયાર કરી રહેલ છે. કોઇક પગમાં ઘુંઘરું બાંધી રહેલ છે. કોઇ વળી કાનમાં કુંડલ પહેરે છે. અમુક દર્પણમાં પોતાનું રૂપ-લાવણ્ય નિહાળે છે. માથે ચાંલ્લો કરતી, માથું ઓળતી ફૂલહાર લઇ જતી, પંખા કે પ્રસાધન સામગ્રી પહોંચાડતી અપ્સરાઓ દેખાય છે. આ બધું મનોરંજનની તૈયારી માટે ચાલી રહ્યું છે. ક્યાંક કોઇ રમત રમે છે. કોઇ પાળેલા પ્રાણીઓ, વાંદરાઓ કે પંખીઓ સાથે નજરે પડે છે. ક્યાંક નારીને પગમાંથી કાંટો દૂર કરતી મુદ્રામાં દર્શાવી છે, તો બીજી જગ્યાએ કોઇ પ્રેમીની વાટ જોતી આકર્ષક ભાવમાં દેખાડી છે. આ બધી અપ્સરાઓની બહુ પ્રચલિત ભાગભંગિમાઓ છે. તે સમયની પ્રચલિત પરંપરાઓમાં નારીના વિવિધ રૂપો છે. એમનું કોઇ ખાસ વર્ગીકરણ આવે એવું ચરિત્ર નથી. તેઓ માત્ર પોતાનું વિષયાસકત રૂપ દેખાડતી લાગે છે. નારીનું આ રૂપ અને ભાવભંગિમાઓ ઇ.પૂ.પહેલી સદીમાં પ્રચલિત હતી. ઇ.સ.નવમી અને દશમી સદીમાં મંદિરોની બહાર એમની ભરમાર થવા લાગી. દશમી સદીથી નારી લાવણ્યના પાસાને વધારે અગ્રતા અપાવા લાગી. કેટલાક શિલ્પોમાં સલિલા, નામિલા અને નન્દિની જેવા લખાયેલા નામો મળે છે. નારી-લાવણ્ય અને મોહકતા આ શિલ્પોની વિશેષતા છે. નારીનું આ રૂપ જે પોતાની શારીરિક સુન્દરતા દર્શાવે તેણે નારીની બુદ્ધિમત્તા, કાર્યવિધિ અને સમાજમાં તેના યોગદાનને ભુલાવી દીધું છે. આ શિલ્પોમાં ચૈતન્યનો ધબકાર છે. સુડોળ અંગો અને તે અંગ લયથી સર્જાતા કમનીય અંગ વળાંકો એની સુંદરતાને વધુ સુરેખ કરી આપે છે. અહીંના નારી શિલ્પો લાવણ્ય, લજ્જાભર્યાં અંગ મરોડ અને અનુપમ દેહલાલિત્યથી શોભી રહ્યાં છે. આ અપ્સરાઓની કૌમાર્યપૂર્ણ દેહલતા અને પ્રસન્ન મુખ ભાવ દ્વારા સ્ત્રી-પુરુષની આદિકાળથી ચાલી આવતી સંસાર યાત્રાના આ વાવમાં પડઘા સંભળાય છે. પથ્થરોમાં પણ કોમળતાને પ્રસ્થાપિત કરનારા એ સમયની ગુજરાતની કલા-કૌશલ્યપૂર્ણ જીવનશૈલીનું અહીં ઉજ્જવળ પ્રતિબિંબ પડે છે. વાવના સ્તંભો અને દીવાલોમાં વેદમાં બતાવેલ સ્વસ્તિક, પૂર્ણ કુંભ, અમરવેલ, કીર્તિમુખ, કીચક, અને કલ્પવૃક્ષનું અંકન તેમજ રામાયણ, મહાભારતના કથા પ્રસંગોના શિલ્પો, ઉપરાંત લોક જીવનના શિલ્પોનું બારીકાઇથી કરેલું કોતરકામ સિધ્ધહસ્ત કલાકારની સિદ્ધિનું સોપાન જણાય છે. ખરેખર, આ રાણીવાવ પથ્થરમાં કંડારેલું માનવ સૌંદર્યનું મહાકાવ્ય છે.
SR No.005790
Book TitleYuge Yuge Patanni Prabhuta
Original Sutra AuthorN/A
AuthorMukund P Bramhakshatriya
PublisherJayendra M Bramhakshatriya
Publication Year2008
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy