________________
આચાર્ય હરિભદ્ર મહાન કૃતજ્ઞ (અહેસાનમંદ) હતા.જે વૃદ્ધા સાધ્વીએ ‘ચક્કિદુર્ગી હરિપણ.........' ગાથાના માધ્યમથી ન કેવળ તેમને સમ્યગ્ બોધ કરાવ્યો, પરંતુ સાથે સાથે શ્રમણધર્મનો પણ લાભ કરાવ્યો હતો, તેમને જીવનપર્યંત પોતાના ધર્મમાતા તરીકે જ ઓળખાવતા હતા. આચાર્ય હરિભદ્રસૂરિએ તે મહનીયા સાધ્વી પ્રત્યે પોતાની અસીમ કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે પોતાની દરેક કૃતિના (રચનાના) અંતમાં પોતાના નામની પહેલાં, ‘ભવ વિરહ’ પછી ‘યાકિની મહત્તરાસૂનું' પદાવલીનો પણ પ્રયોગ કર્યો છે.
પોતાના દ્વારા રચિત લગભગ દોઢ હજાર (પંદર સો) શાસ્ત્રોની ટીકાઓ તથા ગ્રંથોમાં કાર્પાસિક નામના એક વણિક દ્વારા દેશના ખૂણેખૂણામાં પ્રચાર-પ્રસાર કરાવ્યો. શ્રેષ્ઠી કાર્પાસિક, આચાર્યદેવના કથનનું અક્ષરશઃ પરિપાલન કરવાથી વિપુલ ઋદ્ધિનો સ્વામી બની ગયો. તેણે હરિભદ્રસૂરિ દ્વારા રચિત તમામ ધર્મગ્રંથોને લિપિકારો પાસેથી લખાવીને, તેમને (ગ્રંથોને) દેશના ખૂણે-ખૂણામાં, શ્રમણ-શ્રમણીઓમાં વિતરિત કર્યા. તેણે અનેક જિનમંદિરોનું નિર્માણ પણ કરાવ્યું. આચાર્ય હરિભદ્રસૂરિએ કાર્પાસિક શ્રેષ્ઠીની જેમ જ અન્ય ભક્તોને પણ પ્રતિબોધિત કર્યા અને તેમના માધ્યમથી જિનશાસનની પ્રભાવનાના અનેક કાર્ય કરાવડાવ્યાં.
આચાર્ય હરિભદ્રસૂરિને એક અતિ પ્રાચીન, જીર્ણ-શીર્ણ, જગ્યાજગ્યાએથી ઊધઈ દ્વારા ખવાઈ ગયેલ ‘મહાનિશીથ' શાસ્ત્રની પ્રતિ મળી. તેમના સમયમાં તે પ્રતિ સિવાય મહાનિશીથની અન્ય કોઈ પ્રતિ, ક્યાંય પણ ઉપલબ્ધ ન હતી. આચાર્ય હરિભદ્રે અહર્નિશ અથાગ પરિશ્રમ, પોતાના પ્રકાંડ પાંડિત્ય અને પ્રબળ મતિ (બુદ્ધિ) વૈભવના બળથી તે મહાનિશીથ શાસ્ત્રનો ઉદ્ધાર કર્યો. ખાલી જગ્યાઓ, પંક્તિઓ, પત્રો (પૃષ્ઠ) વગેરેની પૂર્વાપર પ્રસંગ અનુસાર પુનર્રચના કરીને મહાનિશીથ સૂત્રનું થોડું-ઘણું પુનર્લેખન પણ કર્યું.
દેશના ગણમાન્ય જૈન વિદ્વાનોએ સમુચિત શોધ-ખોળ પશ્ચાત્ આચાર્ય હરિભદ્રસૂરિનો શાસનકાળ વી. નિ. સં. ૧૨૨૭ થી ૧૨૯૮ (વિ. સં. ૭૫૭ થી ૮૨૭)ની વચ્ચેનો નક્કી કરેલો છે.
જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૩)
૧૨૮