________________
બે બોલ
જૈન દર્શનમાં કર્મ સાહિત્યનું વર્ણન ઘણું જ સૂક્ષ્મ રીતે કરવામાં આવેલું છે. આ અસાર સંસારમાંથી મુમુક્ષુ આત્માઓને તરવા માટે કર્મવિષયક જ્ઞાન અનિવાર્ય છે. પ્રાથમિક અભ્યાસ માટે પૂજ્યપાદ આ દેવેન્દ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબે સરળ ભાષામાં કર્મગ્રંથોની રચના કરી છે. ત્યારબાદ આ વિષય વધુ છણાવટથી જાણવા માટે કમ્મપયડી અને પંચસંગ્રહના વિષયો અભ્યાસક વર્ગને ઘણા જ ઉપયોગી છે.
“પંચસંગ્રહ” નામના આ દળદાર ગ્રંથની રચના પૂજ્યપાદ ચંદ્રષિમહત્તરાચાર્ય મહારાજશ્રીએ કરેલી, તેના ઉપર સરળ ભાષાવાળી પૂજય આ મલયગિરિજી મહારાજાએ ટીકા રચેલ. તેનું ગુજરાતી ભાષામાં ભાષાન્તર સ્વ. પંડિત શ્રી હીરાલાલભાઈ દેવચંદ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલું. પંડિતશ્રીએ ઘણી જ કાળજીપૂર્વક ખંત અને પરિશ્રમથી આ ભાષાન્તર તૈયાર કરેલું, છેલ્લાં કેટલાંએક વર્ષોથી પૂજ્ય સાધુ-સાધ્વીજી મહારાજ સાહેબોમાં કમ્મપયડી તથા પંચસંગ્રહનો અભ્યાસ સારો એવો વધ્યો છે અને ભાષાન્તરના પુસ્તકની પ્રાપ્તિ દુર્લભ બની છે. તેથી આ પુસ્તકને પ્રકાશિત કરવાની ખાસ જરૂર હતી.
- આ પુસ્તકનો પહેલો અને બીજો ભાગ ફરીથી પ્રકાશિત કરવામાં સંપાદકશ્રી પુખરાજજી અમીચંદજી સાહેબની ઘણી મહેનત છે. પોતાના અનુભવોનો નિચોડ દાખલ કરવામાં, અમૂલ્ય સમયનો ભોગ આપવામાં એ કુશાગ્રબુદ્ધિગમ્યભાવોને સરળ રીતે રજૂ કરવામાં તેમણે જે અપૂર્વ ફાળો આપ્યો છે. તે ઘણો જ અનુમોદનીય છે અને અભિનંદનને પાત્ર છે.
અંતમાં પ્રત્યેક સાધુ-સાધ્વીજી મહારાજ સાહેબોને ભણવા અને ભણાવવામાં આ ગ્રંથ વધુમાં વધુ ઉપયોગી થાય. એ જ આશા
લિ.
ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા ઠે. ઝવેરીવાડ ખરતરની ખડકી
અમદાવાદ