________________
પંચસંગ્રહ-૨
પ્રશ્ન—૩૯. નિદ્રાદ્વિક, હાસ્ય, રતિ, ભય, અને જુગુપ્સા આ છ પ્રકૃતિઓનો જઘન્ય પ્રદેશસંક્રમ ક્ષપિતકર્માંશ આત્માને આઠમા ગુણસ્થાનકે પોત-પોતાના બંધવિચ્છેદ સમયે બતાવેલ છે. પરંતુ જેમ દેવગતિ વગેરે શુભ છત્રીસ પ્રકૃતિઓનો ઉપશમ શ્રેણિ વિના શેષ ક્ષપિત કાઁશની ક્રિયા કરેલ જીવને આઠમા ગુણસ્થાનકની પહેલી આવલિકાના ચરમસમયે બતાવેલ છે, તેમ આ પ્રકૃતિઓ પણ આઠમા ગુણસ્થાનકના અમુક ભાગ સુધી બંધાતી હોવાથી અબધ્યમાન અશુભપ્રકૃતિઓનાં ઘણાં દલિકો ગુણસંક્રમ દ્વારા અપૂર્વકરણ ગુણસ્થાનકના પ્રથમસમયથી નિદ્રા વગેરે છ પ્રકૃતિઓમાં આવે, માટે બંધ વિચ્છેદ સમયના બદલે આઠમા ગુણસ્થાનકની પહેલી આવલિકાના અંતે જઘન્યપ્રદેશ સંક્રમ કેમ ન બતાવ્યો ?
૪૪૬
ઉત્તર—ઉપરની શંકા બરાબર લાગે છે. તેથી જ કષાયપ્રાકૃતચૂર્ણિમાં હાસ્ય, રતિ, ભય અને જુગુપ્સાનો જઘન્ય પ્રદેશ સંક્રમ આઠમા ગુણસ્થાનકની પહેલી આવલિકાના ચરમસમયે બતાવેલ છે. અને નિદ્રાદ્ધિક માટે પણ એમ જ લાગે છે, છતાં આ ગ્રન્થમાં અને કર્મપ્રકૃતિમાં તથા તેની ટીકા વગેરેમાં પોતપોતાના બંધવિચ્છેદ સમયે બતાવેલ છે. તેનું કારણ બહુશ્રુતો જાણે; અગર મતાંતર હોય તેમ લાગે છે.
પ્રશ્ન—૪૦. આ ગ્રંથમાં તેમજ કર્મપ્રકૃતિ-ટીકામાં અન્ય પ્રકૃતિનયન સંક્રમની અપેક્ષાએ મિથ્યાત્વમોહનીયનો ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમ અંતર્મુહૂર્ત ન્યૂન સિત્તેર કોડાકોડી સાગરોપમ બતાવેલ છે. પરંતુ સ્વસંક્રમની અપેક્ષાએ બે આવલિકા ન્યૂન સિત્તેર કોડાકોડી સાગરોપમ પ્રમાણ કેમ બતાવેલ નથી ?
ઉત્તર—કર્મપ્રકૃતિ-મૂળમાં તથા ચૂર્ણિમાં સિત્તેર કોડાકોડી સાગરોપમ પ્રમાણ બંધોત્કૃષ્ટ મિથ્યાત્વનો બે આવલિકા ન્યૂન સિત્તેર કોડાકોડી સાગરોપમ પ્રમાણ ઉર્જાના તથા અપવર્તનારૂપ સ્વસંક્રમની અપેક્ષાએ બતાવેલ છે. પરંતુ ટીકાઓમાં સ્વસંક્રમની અવિવક્ષા કરી અન્ય પ્રકૃતિનયન સંક્રમની અપેક્ષાએ અંતર્મુહૂર્ત ન્યૂન સિત્તેર કોડાકોડી સાગરોપમ પ્રમાણ બતાવેલ છે. માટે અહીં કોઈ વિરોધ નથી.
પ્રશ્ન—૪૧. ટીકામાં ચારે આયુષ્યના ઉત્કૃષ્ટ અનુભાગ સંક્રમના સ્વામી સમ્યગ્દષ્ટિ અને મિથ્યાર્દષ્ટિ એમ બન્ને પ્રકારના જીવો બતાવ્યા છે. ત્યાં ત્રણ આયુષ્યમાં તો બન્ને પ્રકારના જીવો સમજી શકાય છે, પરંતુ દેવાયુષ્યનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ અને ઉત્કૃષ્ટ અનુભાગબંધ સંયમી આત્માઓ જ કરે છે, અને ત્યાં ભવપર્યંત ચોથું ગુણસ્થાનક જ હોય છે, તેથી દેવાયુષ્યનો ઉત્કૃષ્ટ અનુભાગ સંક્રમ મિથ્યાદષ્ટિને શી રીતે ઘટે ?
ઉત્તર—તમારી શંકા બરાબર છે, અને તેથી કર્મપ્રકૃતિ ચૂર્ણિ કે ટીકામાં ચારેય આયુષ્યના ઉત્કૃષ્ટ અનુભાગસંક્રમના સ્વામી મિથ્યાર્દષ્ટિ કે સમ્યગ્દષ્ટિ ન બતાવતાં સામાન્યથી બતાવેલ છે, પરંતુ સંયમી આત્મા દેવાયુષ્યનો ઉત્કૃષ્ટ અનુભાગ બંધ કરી જો પહેલે ગુણસ્થાનકે જઈ અપવર્તનાકરણથી દેવાયુષ્યને ઘટાડી અલ્પ સ્થિતિવાળું કરે તો મિથ્યાત્વ ગુણસ્થાનકે પણ દેવાયુષ્યનો ઉત્કૃષ્ટ અનુભાગસંક્રમ અંતર્મુહૂર્ત કાળ સુધી ઘટી શકે છે, અને એ અપેક્ષાએ અહીં બતાવેલ હોય તેમ લાગે છે.