________________
પંચસંગ્રહ-દ્વિતીયભાગ સંક્રમણકરણ પ્રશ્નોત્તરી
પ્રશ્ન–૧. સંક્રમ એટલે શું? અને તેના કેટલા પ્રકાર છે? તે દષ્ટાન્ત આપી સમજાવો.
ઉત્તર–અમુક સ્વરૂપે ફળ આપનાર કર્મપરમાણુઓનો ફળ આપવાનો જેવો સ્વભાવ છે તેવા સ્વરૂપે ફળ ન આપે તેમ પોતાના મૂળ કર્મથી અભિન્ન એવી અન્ય પ્રકૃતિના સ્વભાવરૂપે ફળ આપે તેવા કરવા, અથવા અમુક નિયત સમયે કે અમુક પ્રમાણના પાવરથી ફળ આપવાના સંયોગોમાં દલિકો ગોઠવાયેલાં હોય છતાં જલદી અથવા લાંબા સમયે અને ઓછા કે વધુ પ્રમાણના પાવરરૂપે ફળ આપે તેવા કરવા તે સંક્રમ કહેવાય છે. આ સંક્રમ અન્ય પ્રકૃતિ નયન, અપવર્તન તેમજ ઉદ્ધવર્તન એમ ત્રણ પ્રકારે છે.
જેમ સત્તામાં રહેલ સાતવેદનીયના કર્મપરમાણુઓનો સુખ આપવાનો સ્વભાવ બદલી અસાતાવેદનીયના કર્મપરમાણુઓની જેમ દુઃખ આપવાના સ્વભાવવાળા કરવા તે અન્ય પ્રકૃતિનયન સંક્રમ.
બંધ સમયે એકાદ વર્ષ કે તેથી વધુ કાળ પછી ફળ આપવાની યોગ્યતા રૂપે ગોઠવાયેલ કર્માણુઓને ઘટાડીને એકાદ માસમાં કે તેથી ઓછા કાળમાં ફળ આપવાની યોગ્યતા રૂપે કરવા અથવા વધુ પાવરરૂપ ફળ આપવાની યોગ્યતાવાળા કર્માણુઓને અલ્પ પાવરવાળા કરી દેવા તે અપવર્તના સંક્રમ.
બંધ સમયે એકાદ માસ કે તેથી ઓછા સમયમાં ફળ આપવાની યોગ્યતાવાળા ગોઠવાયેલ કર્માણુઓને એકાદ વર્ષ પછી ફળ આપે તેવા કરવા, અથવા વિપાક આશ્રયી હીન પાવરવાળા કર્માણુઓને અધિક પાવરવાળા કરવા તે ઉદ્વર્તના સંક્રમ કહેવાય છે.
અન્ય પ્રકૃતિ નયન સંક્રમને પરસંક્રમ તથા ઉદ્ધર્તના અને અપવર્તના સંક્રમને સ્વસંક્રમ કહેવાય છે.
પ્રશ્ન-૨. જે પ્રકૃતિઓનો અન્ય પ્રકૃતિનયન સંક્રમ થાય–તેઓનો બંધ અવશ્ય હોય?
ઉત્તર–સંક્રમ યોગ્ય પ્રકૃતિઓ ત્રણ પ્રકારની છે. (૧) મતિજ્ઞાનાવરણીય વગેરે કેટલીક ધ્રુવબંધી પ્રકૃતિઓનો બંધ હોય ત્યારે જ સંક્રમ થાય. (૨) નીચ ગોત્ર વગેરે કેટલીક પરાવર્તમાન પ્રકૃતિઓનો બંધ હોય ત્યારે જ સંક્રમ થાય અને (૩) દેવગતિ વગેરે કેટલીક પરાવર્તમાન પ્રકૃતિઓનો બંધ હોય અથવા ન હોય તો પણ તેમનો સંક્રમ થાય છે.
પ્રશ્ન-૩. પતટ્ઠહરૂપે બધ્યમાન પ્રકૃતિ જ હોય કે અબધ્યમાન પણ હોય?
ઉત્તર–સામાન્યથી બધ્યમાન પ્રકૃતિઓ જ પતગ્રહરૂપે હોય છે. પરંતુ સમ્યક્ત મોહનીય તથા મિશ્રમોહનીય બંધમાં ન હોવા છતાં પતધ્રહ થઈ શકે છે.