________________
I ૩% શ્રીશહેરપાર્શ્વનાથાય નમોનમ: II “સંક્રમણકરણ સારસંગ્રહ”
પંચસંગ્રહ–દ્વિતીય ભાગ
પૂર્વે બંધાયેલ અથવા બંધાતી પ્રકૃતિઓના સત્તામાં રહેલ પ્રકૃતિ-સ્થિતિ-રસ અને પ્રદેશ સ્વજાતીય બંધાતી પ્રકૃતિમાં પડી તે બંધાતી પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશરૂપે બની જાય તે સંક્રમ કહેવાય છે.
તેના મુખ્ય બે પ્રકાર પડી શકે છે. તે આ પ્રમાણે –
(૧) વર્તમાન સમયે અબધ્યમાન પણ પૂર્વે બંધાયેલ અને સત્તામાં રહેલ પરાવર્તમાન સાતાવેદનીય વગેરે પ્રકૃતિનાં દલિકોને વર્તમાન સમયે બંધાતી અસાતવેદનીય વગેરે પ્રકૃતિઓ રૂપે બનાવે, અર્થાત્ તે રૂપે ફળ આપે તેવા કરે તે સંક્રમ.
(૨) મતિજ્ઞાનાવરણીય વગેરે ધ્રુવબંધી એવી બધ્યમાન પ્રકૃતિઓના સત્તામાં રહેલ દલિકોને બધ્યમાન પોતાના મૂળકર્મથી અભિન્ન એવી અન્ય પ્રકૃતિ રૂપે બનાવે તે પણ સંક્રમ, અર્થાતુ બંધાતી અને ન બંધાતી એમ બન્ને પ્રકારની પ્રકૃતિઓનાં સત્તાગત દલિકોનો બંધાતી પ્રકૃતિઓને વિષે સંક્રમ થાય છે.
જે પ્રકૃતિઓનો બંધ ચાલુ હોય તેમાં જ અન્ય પ્રકૃતિઓનો સંક્રમ થાય છે. ફક્ત સમ્યક્ત મોહનીય અને મિશ્ર મોહનીયનો બંધ ન હોવા છતાં સમ્યક્ત મોહનીયમાં મિથ્યાત્વ અને મિશ્રનો તથા મિશ્રમોહનીયમાં મિથ્યાત્વનો સંક્રમ થાય છે.
જે વીર્ય વિશેષથી આ સંક્રમ થાય છે તે વીર્ય વિશેષને સંક્રમણકરણ કહેવાય છે.
જે સમયે જે દલિક અન્ય પ્રકૃતિમાં સંક્રમે છે તે સમયથી એક આવલિકા સુધીનો કાળ તે સંક્રમાવલિકા કહેવાય છે. એ જ પ્રમાણે જે સમયે જે કર્મ બંધાય છે, તે સમયથી એક આવલિકા સુધીના કાળને બંધાવલિકા કહેવાય છે.
તે સંક્રમાવલિકા કે બંધાવલિકામાં કોઈપણ કરણ લાગતું નથી. અર્થાત્ જે સમયે જે કર્મ બંધાયેલ હોય અથવા જે સમયે જે કર્મ દલિક અન્ય પ્રકૃતિમાં સંક્રખ્યું હોય તે સમયથી એક આવલિકા સુધી તે કર્મદલિક ઉપર કોઈપણ પ્રકારની અસર થતી નથી એટલે કે તેમાં કોઈપણ પ્રકારનો ફેરફાર થતો નથી. તેમજ દર્શનત્રિક સિવાય ઉપશાંત થયેલ ચરિત્ર મોહનીયની પ્રકૃતિઓમાં પણ સંક્રમ થતો નથી અને ઉદયાવલિકામાં અને ઉદ્વર્તન આવલિકામાં પણ કોઈ કરણ લાગતું નથી. માટે ઉદ્ધવર્તના આવલિકા અને ઉદયાવલિકાગત કર્મનો પણ સંક્રમ થતો નથી.
ઉદય સમયથી એક આવલિકાના સમય પ્રમાણ કાળમાં થયેલ દલિક રચનાને ઉદયાવલિકા કહેવાય છે.