________________
૧૩૬
પંચસંગ્રહ-૨ ટીકાનુ– જે કર્મની જે અનુક્રમથી મોટી સ્થિતિ છે તે ક્રમથી તેના અસંખ્યગુણા અધ્યવસાયો હોય છે. તે આ પ્રમાણે–આયુષ્યકર્મના બંધમાં હેતુભૂત સ્થિતિબંધના અધ્યવસાયો અલ્પ છે. તેનાથી નામકર્મના અને તેની સમાન સ્થિતિ હોવાથી ગોત્રકર્મના અસંખ્યાતગુણા છે. ગાથામાં નામકર્મનું ગ્રહણ ગોત્રકર્મનું ઉપલક્ષક છે તેથી સરખી સ્થિતિવાળાં અન્ય કર્મો પણ ગ્રહણ કરી લેવાનાં છે. અન્યત્ર પણ એમ જ સમજવું.
શંકા–આયુકર્મની અંદર પૂર્વ પૂર્વથી ઉત્તરોત્તર દરેક સ્થિતિસ્થાનમાં તબંધહેતુભૂત અસંખ્યાત અસંખ્યાતગુણા અધ્યવસાયો થતા જાય છે અને નામ તથા ગોત્રકર્મના પ્રત્યેક સ્થિતિસ્થાનકમાં વિશેષાધિક વિશેષાધિક થાય છે, તો પછી આયુકર્મના અધ્યવસાયોથી નામ અને ગોત્રકર્મના અધ્યવસાયો અસંખ્યાતગુણા કેમ થાય ? આયુકર્મનાં સ્થિતિસ્થાનોથી નામ અને ગોત્રકર્મનાં સ્થિતિસ્થાનો ઘણાં હોવાથી કદાચ વિશેષાધિક થાય.
ઉત્તર–આયુકર્મની જઘન્યસ્થિતિ બાંધતા તબંધહેતુભૂત અધ્યવસાયો ઘણા જ થોડા છે. અને નામ તથા ગોત્રકર્મની જઘન્યસ્થિતિ બાંધતા તબંધહેતુભૂત અધ્યવસાયો ઘણા જ વધારે છે. વળી આયુકર્મથી નામ અને ગોત્રકર્મનાં સ્થિતિસ્થાનો પણ ઘણાં જ વધારે છે તેથી આયુકર્મના પ્રત્યેક સ્થિતિસ્થાનમાં અસંખ્યાતગુણ ક્રમે અધ્યવસાયો વધવા છતાં અને નામ તથા ગોત્રમાં પ્રત્યેક સ્થિતિસ્થાનમાં વિશેષાધિક વિશેષાધિક થવા છતાં સરવાળે આયુકર્મના સ્થિતિબંધાધ્યવસાયોથી નામ અને ગોત્રકર્મના સ્થિતિબંધાવ્યવસાયો અસંખ્યાતગુણા જ થાય છે, માટે અહીં કંઈ દોષ નથી. નામ અને ગોત્રકર્મના સ્થિતિબંધાધ્યવસાયોથી આઠમા અંતરાયકર્મના અને તેની સમાન સ્થિતિવાળા જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય તથા વેદનીય કર્મના સ્થિતિબંધાધ્યવસાયો અસંખ્યાતગુણા છે.
શંકા–નામ અને ગોત્રની વીસ કોડાકોડી સાગરોપમની સ્થિતિ છે. જ્ઞાનાવરણીયાદિ ચાર કર્મની ત્રીસ કોડાકોડી સાગરોપમની સ્થિતિ છે. નામ-ગોત્રકર્મથી દશ કોડાકોડી સાગરોપમ માત્ર વધારે છે તેટલામાં નામ ગોત્રકર્મના સ્થિતિબંધાધ્યવસાયોથી જ્ઞાનાવરણીયાદિના અસંખ્યાતગુણા શી રીતે થાય?
ઉત્તર–જો કે નામ-ગોત્રથી જ્ઞાનાવરણીયાદિની સ્થિતિ દોઢી છે છતાં સ્થિતિબંધના હેતુભૂત અધ્યવસાયો અસંખ્યાતગુણા જ હોય છે. કારણ કે પહેલાં કહેવામાં આવ્યું છે કે–પૂર્વ પૂર્વ સ્થિતિસ્થાનોથી ઉત્તરોત્તર સ્થિતિસ્થાનોમાં એવી ક્રમથી અધ્યવસાયો વધે છે કે પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ સ્થિતિસ્થાનકો ઓળંગી જઈએ એટલે બમણા થાય, વળી તેટલા ઓળંગીએ એટલે બમણા થાય. આ પ્રમાણે હોવાથી માત્ર એક પલ્યોપમ પ્રમાણ સ્થિતિસ્થાનકો ઓળંગવાથી જ અસંખ્યાતગુણા થાય કારણ કે એક પલ્યોપમમાં પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ જેટલા ખંડ અસંખ્યાતા થાય–તો પછી દશ કોડાકોડી સાગરોપમને અંતે શા માટે અસંખ્યાત ગુણા ન થાય ? અર્થાત્ થાય જ.
જ્ઞાનાવરણીયાદિના સ્થિતિબંધાધ્યવસાયોથી કષાય મોહનીયના અસંખ્યાતગુણા છે, તેનાથી પણ દર્શનમોહનીયના સ્થિતિબંધાવ્યવસાયો અસંખ્યાતગુણા છે. આ પ્રમાણે પ્રકૃતિસમુદાહાર