SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ વાત્સલ્ય ઃ વૃદ્ધત્વની શ્રેષ્ઠ શોભા ૨૯ -- છેલ્લું પાનું વિસર્ગ કાળ અને આદાન કાળ - આવા બે શબ્દ ઋતુઓ માટે આયુર્વેદમાં વપરાયા છે. શિયાળો આદાન કાળ. આદાન એટલે ગ્રહણ કરવું. બાકી વિસર્ગ કાળ. વિસર્ગ એટલે વિસર્જન - વહેંચવું. આ બન્ને શબ્દો જીવનના સંદર્ભમાં આજે જોવા છે. શૈશવ અવસ્થા એ જીવન-તત્ત્વનો આદાન કાળ છે. બાળક જન્મે ત્યારથી માતાથી શરૂ કરીને કેટકેટલાના વાત્સલ્યના અમીનું આકંઠ પાન તે કરે છે, કરતો રહે છે અને તેનાથી તે પુષ્ટ થાય છે. “નેહ નજર નિહાળતાં વાધે બમણો વાન” એ ઉક્તિ મુજબ સ્નેહભીની નજર વાનને-શરીરને વધારે છે અને બાળક વૃદ્ધિ પામે છે. આ કાળ આદાનનો એટલે કે ગ્રહણ કરવાનો કાળ છે. એની વય વધતાં એ વૃદ્ધ થતાં તેનો વિસર્ગ કાળ, એટલે દાન કરવાનો - વિસર્જન કરવાનો કાળ શરૂ થાય છે. જે વાત્સલ્યના અમૃત એણે ખોબે ખોબે પીધાં હતાં; જે રીતે વાત્સલ્યના અમૃતનો ભંડાર ભર્યો હતો, તે હવે લૂંટાવાનો અવસર છે. વૃદ્ધાવસ્થા એ વહાલ વરસાવવાનું નક્ષત્ર છે. જે જે મળે તેને પ્રેમપૂર્વક હેતપૂર્વક વહાલપૂર્વક બોલાવવા. પૂછવું - કેમ છો ! સારું છે ! અમી નીતરતી આંખે જોઈ, પ્રેમભીની જીભથી વહાલનું દાન કરવાનું. એમ વૃદ્ધત્વને શોભાવવાનું છે. વાત્સલ્યના દાનથી વૃદ્ધત્વ શોભે છે - શાલીન બને છે. આવા વૃદ્ધ-જનને સહુ આવકારે છે. અને આ રીતે તે કરજમુક્તિ - ઋણમુક્તિ અનુભવે છે. ઋણ મુક્તિનો આથી વધુ સારો બીજો મારગ કયો મળે ! જે લીધું તે વ્યાજ સાથે નિર્વ્યાજપણે દીધું. વૃદ્ધત્વ પણ આમ ઊજળું બને છે. બોખું અને કરચલીવાળું મોં સ્મિતથી મઢ્યું-મટ્યું કેવું નરવું સુંદર અને સોહામણું લાગે ! દાદા દેવસૂરિ મહારાજ છેલ્લા વરસોમાં એ રીતે વાત્સલ્યનો ધોધ વરસાવતા જ રહ્યા. પાત્ર-અપાત્રના ભેદ વિના તેઓએ વાત્સલ્યની ગંગા વહાવી બધાને સ્નેહથી ભીંજવ્યા - નવરાવ્યા. દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં એટલી પોચી જમીન જોવા મળે છે કે એમાં નાની કાંકરી પણ ગોતી ન મળે, તેમ દાદાના હૃદયમાં કોઈના ય પ્રત્યે કડવાશનું નામનિશાન ન મળે, નબળો ભાવ ન મળે. વૃદ્ધત્વ એમનો શણગાર બની રહ્યું. વાત્સલ્યના પ્રભાવે તેઓ અનેકના હૃદય સિંહાસન ઉપર સ્વયં વિરાજીને ચિરકાળ જયવંતા રહેશે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005636
Book TitleChellu Panu
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherPathshala Prakashan
Publication Year
Total Pages66
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy