SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ • સમાજ, ધર્મ અને સંસ્કૃતિ થઈ પડે કે અંગ્રેજી હકૂમત દરમ્યાન અને તે પહેલાંની દેશની સ્થિતિ વચ્ચે કેટલું અને કેવું અંતર હતું. વળી એ પણ સમજવું વધારે સહેલું થઈ પડે કે અંગ્રેજી શાસને કઈ કઈ બાબતમાં ગુલામી લાદી અગર પોષી અને કઈ બાબતમાં એણે જૂની ગુલામીનાં મૂળો ઉખેડ્યાં કે ઢીલાં કર્યો. એ પણ સમજવું વધારે સરળ થઈ પડે કે વિદેશી હકૂમતે, આપણે ઇચ્છીએ તેવા અર્થમાં, સ્વતંત્રતાનાં નવાં બીજો આ દેશમાં ઇચ્છાએ કે અનિચ્છાએ, જાણ્યું કે અજાણ્યે ક્યાં ક્યાં અને કેટલા પ્રમાણમાં રોપ્યાં કે જેના પરિણામે આજે આપણે સ્વતંત્રતા પ્રાપ્ત થયાની કૃતાર્થતા એક અથવા બીજી રીતે અનુભવીએ છીએ. અંગ્રેજી શાસન સ્થપાયા પહેલાં દેશનું આર્થિક જીવન સ્વતંત્ર હતું, એટલે દેશની ખેતીવાડીનું ઉત્પાદન, તેની વહેંચણી, ઉદ્યોગ-ધંધા, કળા-કારીગરી એ બધાનું જીવનદાયી વહેણ માત્ર દેશાભિમુખ હતું. તેથી ગમે તેવા દુષ્કાળમાં પણ પેટનો ખાડો પૂરવાનું કામ બ્રિટિશ શાસનના સુકાળના દિવસો કરતાં અનેકગણું સહેલું હતું. માનવજીવનના મુખ્ય આધારરૂપ પશુ જીવન અને વનસ્પતિજીવન તદ્દન આબાદ લીલાંછમ અને સમૃદ્ધ હતાં, જે બ્રિટિશ શાસનની સ્થાપના પછી ઉત્તરોત્તર હાસ પામતાં પામતાં આજે ક્ષીણપ્રાય થઈ ગયાં છે અને સાવ સુકાઈ કરમાઈને વણસી ગયાં છે, જેને લીધે સંખ્યાની દૃષ્ટિએ માનવસમાજની આબાદી હોવા છતાં જીવનની દષ્ટિએ દેશનો માનવસમાજ કંકાલ જેવો રક્ત માંસ અને વીર્યહીન બની ગયો છે. અંગ્રેજી શાસન પહેલાંની દેશમાં પ્રવર્તતી ધાર્મિક, સામાજિક અને કેળવણીની સ્થિતિ અંગ્રેજી શાસન સ્થપાયા પછીની તે વિષયની સ્થિતિની સરખામણીમાં એકંદર પામર અને એકદેશીય જ હતી. દેશમાં ધાર્મિક વાતાવરણ વ્યાપક અને ઘન હતું ખરું, પણ એ વાતાવરણમાં જેટલી પરલોકાભિમુખતાની અને વહેમી ક્રિયાકાંડની પ્રચુરતા હતી તેટલી જ ઐહિક જીવનના સળગતા અને તત્કાળ ઉકેલ માગતા પ્રશ્નો પ્રત્યે ઉદાસીનતા તેમજ પુરુષાર્થહીનતા હતી. શ્રદ્ધાનું અતિ અને આંધળું દબાણ બુદ્ધિ તેમજ તર્કના પ્રકાશને બહુ સરળતાથી ગૂંગળાવી નાખતું. સમાજમાં સ્ત્રીશક્તિ સાવ ઉપેક્ષિત અને સુષુપ્ત હતી. તેનું સ્વાતંત્ર્ય હતું તો તે માત્ર ઘરઆંગણાના જીવનને દીપાવવા કે ક્ષુબ્ધ કરવા પૂરતું. વર્ણવ્યવસ્થાનું સમગ્ર બળ નાતજાતના અસંખ્ય વાડાઓ અને ચોકાવૃત્તિ તેમજ ઉચ્ચનીચપણાની ભાવનામાં સમાઈ જતું. બ્રાહ્મણ અને અન્ય ગુરુવર્ગની તેમજ તેને સીધો ટેકો આપતા ઇતર સવર્ણોની જેટલી મહત્તા અને મહનીયતા હતી તેટલી જ દલિત અને અસ્પૃશ્ય ગણાતા વર્ગોની ક્ષુદ્રતા અને નિંદનીયતા રૂઢ થઈ ગઈ હતી. સમગ્ર જીવનમાં મહત્ત્વનો ભાગ ભજવે એવા લગ્નના સંબંધો ઐચ્છિક કે ગુણાશ્રિત ભાગ્યે જ બચવા પામ્યા હતા. ઘરઆંગણે ન્યાય આપનારી અને સમાધાન કરાવનારી પંચ તેમજ મહાજનની જૂની સંસ્થાઓમાં સેવા કરતાં સત્તાનો દોર સવિશેષ હતો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001198
Book TitleSamaj Dharma ane Sanskruti
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Society, & Culture
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy